Review

MADHURI DIXIT

MADHURI DIXIT Play Review


Jayesh Shah


Direction : Swapnil Kharaskar
Cast : Riddhi Nayak Shukla, Harshad Patel, Vyas Hemang and Neha Pakai


 MADHURI DIXIT Review


કલ્પના અને હકીકત વચ્ચેના કેનવાસ પર લાગણી અને સંવેદનાના રંગો પૂરતું ઉચ્ચકોટિ નું બેનમૂન નાટક " માધુરી દીક્ષિત "

ઘણા નાટકો, ફિલ્મો,ગીતો કે સર્જનો એવા હોય છે કે તેના સમાપ્ત થયા પછી પણ આપણે તેની મોહિનીમાંથી બહાર આવી શકતા નથી, તેમાંનું કંઈક વિશેષ આપણા મનને વિચારવંત તેમજ મંત્રમુગ્ધ કરી નાખે છે અને તેમાંનું એક સર્જન એટલે કે ઉમેશ શુક્લ, ચેતન ગાંધી તેમજ સૌમ્ય જોશી નિર્મિત નાટક માધુરી દીક્ષિત.

ગુજરાતી દર્શકોનું સૌભાગ્ય છે કે આવા નાટકો આજે પણ બને છે જેના કારણે જ આપણી ગુજરાતી રંગભૂમિ ધબકતી અને જીવંત રહી છે.મંચ પર ભજવાતા એક એક દૃશ્યો પ્રેશકો ને જકડી રાખે છે.

માધુરી દીક્ષિત નાટક એટલે કે સ્ત્રી પુરુષના પ્રેમની પરિભાષા સમજાવતું નાટક, કલ્પના અને હકીકત વચ્ચેની ભેદરેખા સમજીને જીવવાની પ્રેરણા આપતું નાટક,જે જીવનસાથી પથ્થરની મૂર્તિ સમાન જડવ્રત રહે છે,જેની કોઈ પ્રતિક્રિયા નથી છતાં પણ તેના પ્રેમની અનુભૂતિ કરીને પોતે વાસ્તવિક પરિસ્થિતિથી દૂર થઈ જાય તે હદે પ્રેમ કરતા પતિની સંવેદનાનું નાટક...

રમાકાંત એન્જિનિયરિંગ કોલેજના આદરણીય પ્રોફેસર છે તેના લગ્ન તેના શૈક્ષણિક ગુરુની પુત્રી માધુરી સાથે થાય છે. લગ્નના ફક્ત છ દિવસમાં જ માધુરી નો ટ્રેન અકસ્માત થાય છે અને તે કોઈપણ પરિસ્થિતિનો રિસ્પોન્સ ના આપી શકે તેવા લોક ઈન સિન્ડ્રોમ નામની બીમારીનો ભોગ બને છે માધુરી તેની આસપાસ બનતી દરેક ઘટનાઓને સમજે છે, જાણે છે ,અનુભવે છે પણ તેની પ્રતિક્રિયા આપી શકતી નથી કે બોલી શકતી નથી. તેનો પતિ રમાકાંત તેને અત્યંત પ્રેમ કરે છે, ખૂબ લાગણી અને જતનથી તેની સંભાળ રાખે છે અને તે પણ સાત સાત વર્ષોથી .તેના આ જ વર્તનથી તે સમાજમાં એક પ્રેમાળ સમર્પિત પતિનું દ્રષ્ટાંત બની ગયેલ છે .ઘરમાં તેઓને ત્યાં કામ કરવા શાંતિ નામના રમુજી બેન પણ આવે છે જે ઘરની તેમજ માધુરીની સંભાળ રાખે છે રમાકાંતનો ખાસ મિત્ર પ્રતીક જે વ્યવસાયે ન્યુરોસર્જન પણ છે તે માધુરીના રૂટિન ચેકઅપ માટે આવતા રહે છે , રમાકાંતના મિત્ર હોવાને નાતે તેને રમાકાંતની ફિકર પણ રહે છે અને આવતા જતા રમાકાંતના વ્યવહાર પર પણ નજર રાખે છે જ્યારે તેને ખબર પડે છે કે રમાકાંત કોઈની સાથે કોલેજમાંથી એક એક કલાક સુધી ફોન પર વાતો કરે છે ત્યારે તે આ બાબતે રમાકાંતને પૂછે પણ છે અને તે બાબતે રમાકાંત દ્વારા બોલાતા થોડા અર્ધસત્ય અને થોડા સત્ય પરથી પ્રતીકને ખબર પડે છે કે માધુરી તરફના એક તરફા અનન્ય પ્રેમને હિસાબે રમાકાંત ધીરે ધીરે ખુદ માનસિક બીમારી નો શિકાર બનતો જાય છે આ સત્ય અને અર્ધ સત્ય ના ઉખડતા એક એક પડથી સર્જાય છે ભરપૂર રોમાન્સ અને દર્શકો બને છે એ અદભુત ક્ષણોના ખુશનસીબ સાક્ષી.

અભિજીત ગુરુની મૂળકૃતી પરથી ઓહ માય ગોડ ફેમ ઉમેશ શુક્લાનું આલેખન આ નાટકનું સબળ જમા પાછું છે. બે અઢી લીટી ની વાર્તા પરથી અઢી કલાક ખેંચી કાઢનારા નાટક થી તદ્દન વિપરીત દમદાર કથા માટે અભિજીત ગુરુ અને ઉમેશ શુક્લ અભિનંદન ને પાત્ર છે અને તેમાં પ્રાણ પુરે છે સ્વપ્નિલ બારસકર નું જબરજસ્ત દિગ્દર્શન. નાટકની એક એક ફ્રેમને તેમણે મખમલી માવજતથી કંડારી છે. સુપર્બ સ્વપ્નિલભાઈ. પ્રોફેસર રમાકાંત દીક્ષિતના પાત્રમાં હેમાંગ વ્યાસે તેમના પાત્રને નિભાવ્યું નથી પણ તેને જીવ્યા છે ,અદભુત નેચરલ અભિનય. માધુરીના બીમારીમાંથી બહાર આવ્યા બાદ માધુરી દ્વારા થયેલા રિએક્શન થી અચંબિત થયેલ રમાકાંત ની મનોસ્થિતિ વ્યક્ત કરતો હેમાંગભાઈ નો અભિનય નેત્ર સજળ કરી દેય છે .તેમનો દેખાવ અને અભિનય બંને 70 ના દશકના ગ્રેટેસ્ટ કલાકાર સંજીવ કુમારની યાદ અપાવે છે પણ સામે રિદ્ધિ નાયક શુક્લનો અભિનય પણ ક્યાં ઓછો ઉતરે તેમ છે .તેના દ્વારા કહેવાયેલા અમુક સંવાદો વિચાર માગી લેય છે .નાટકના છેલ્લા દ્રશ્યમાં રમાકાંતને તેની મનોસ્થિતિમાંથી બહાર લાવવાના પ્રયાસમાં તેણે કરેલ અભિનય કાબીલે તારીફ છે રમાકાંતના ડોક્ટર મિત્ર પ્રતીકના પાત્રમાં હર્ષદ પટેલ નો અભિનાય પણ અતિ સુંદર અને સૌમ્ય છે,શાંતિના પાત્રમાં નેહા પકાઈ પણ હાસ્ય વેરતા વેરતા સ્ત્રીની વેદનાનો આબેહૂબ ચિતાર આપે છે હસતા હસાવતા પણ તે સત્ય હકીકત ખૂબીથી વર્ણવી જાય છે.નાટકની નયનરમ્ય સેટ રચના તેમજ લાઈટિંગ અને ક્રણપ્રિય સંગીત પૂરા નાટક દરમિયાન પ્રાણ પુરે છે.

ચીલો ચાતરીને દર્શકોને કઈક નવું આપવાની ખેવના સાથે આવેલી ઉમેશ શુક્લા, ચેતન ગાંધી અને સૌમ્ય જોશીની ટીમનું નાટક માધુરી દીક્ષિત અચૂક જોવુજ,ફરી ક્યારે પાછું આવું સુંદર સર્જન જોવા મળે ના મળે!

*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.

   MADHURI DIXIT Play Schedule(s)
 7:30 PM, Sun, May 12 Nehru Center, Mumbai (map link)

Please click here for the preview of the play

read / post your comments


   Discussion Board




Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play