Review

LAADKI

LAADKI Play Review


Jayesh Shah


Direction : Dharmesh Vyas
Cast : Pratap Sachdev, Gazal Rai, Hitesh Upadhyay, Sharad Sharma,Sanjivani Sathe, Rajkam


 LAADKI Review


ઈશ્વરને જ્યારે લાગ્યું કે હું એકલો મારો પ્રેમ બધાને વહેંચી નહિ શકું ત્યારે તેણે બે સર્જન કર્યા. એક માતાનું અને બીજું દીકરીનું ! તેમાં પણ બાપ દીકરીનો પ્રેમ વર્ણવવા પૂરી કાયનાતની કલમો ના શબ્દો પણ ઓછા પડે. ભલભલા કઠણ કાળજાના બાપને ભાંગી પડેલો કે રડતો જોવો હોય તો તેની દીકરીની વિદાય વખતે જોઈ લેવો. બાપ જ્યારે અંદરથી વેદના ભરેલો હોય કે કુટુંબથી કોઈ અણગમતી વાત છુપાવી રાખી હોય તો પણ દીકરીને ખ્યાલ આવી જાય છે કે મારા પપ્પા આજે કોઈ ટેન્શનમાં છે તેવી જ રીતે દીકરીને કોઈ રીતે ઓછું ન આવે કે તેને તકલીફ ન પડે તેનું ધ્યાન તેના પિતા સતત રાખતા જ હોય છે, પરંતુ કરોડોની દૌલત, દોમ દોમ સાહેબી, અને પોતાની ડોક્ટર તરીકેની આવડત અને ખ્યાતિ હોવા છતાં પણ કુદરતની ક્રૂરતા આગળ એક બાપ દીકરીને ખુશી આપવા અસમર્થ કે અસહાય મહેસુસ કરે ત્યારે તેની વેદનાને વ્યક્ત કરવી શબ્દોથી શક્ય નથી. નિર્માતા આસિફ પટેલ તેમજ અલ્પેશ શાહ, એવા બાપ દીકરીના સંબંધોનું, તેઓના પ્રેમ તેમજ લાગણીનું નવું નાટક 'લાડકી 'લઈને આવ્યા છે.

અતિ ધનાઢ્ય તેમજ વિશ્વભરમાં પ્રસિદ્ધ ડોક્ટર જે.કે.વોરા નામી ઓર્થોપેડિક સર્જન છે, તેની દેશ વિદેશમાં ખ્યાતિ પ્રસરેલી છે અને કરોડોની સંપત્તિના માલિક છે તેની પત્ની આશા તેની સફળતામાં તેમ જ તકલીફમાં પડખે ઊભી રહેતી એક આદર્શ પત્ની તેમ જ માતા છે આ બંને સાથે આશા નો ભાઈ કાકુ તેમજ તેની પત્ની જાનુમાં પણ પ્રેમથી રહે છે. ડોક્ટર જે.કે.વોરા અને તેની પત્ની નું એકમાત્ર સંતાન છે લાગણીશીલ, ચુલબુલી અને ખિલખિલાટ કરતી પુત્રી રોશની. તે તેના પિતા ની અત્યંત લાડકી છે અને બંને એકબીજા માટે અનહદ પ્રેમ અને લાગણી ધરાવે છે.

આ નાટકનો જ એક સંવાદ:
"રમકડા મારા પપ્પા લાવે,પણ સાંજ તો મારા પપ્પાને લાવે" પુત્રી રોશનીના લગ્ન તેના મનગમતા તેમજ બચપણનાં સાથી ગૌતમ સાથે નક્કી કરેલા છે જે વ્યવસાયે એડવોકેટ છે. લગ્નની તડામાર તૈયારી ચાલી રહી છે, ખૂબ જ ધૂમધામથી કરોડોના ખર્ચે પાંચ દિવસના ફંકશન રાખવાની તૈયારી થઈ ગઈ છે,શહેર આખામાં રોશનીના લગ્નની ચર્ચા છે ને કરોડપતિ ડોક્ટર વોરા તેની દીકરીના લગ્નમાં ૩૦ કરોડનો ખર્ચો કરવાના છે તે વાત પણ લોકોથી અજાણ નથી. પરંતુ લગ્નની તૈયારી વચ્ચે ટ્રસ્ટ માટે ફાળો લેવા એક વ્યક્તિ આવે છે, ડોક્ટર વોરા તેને પ્રેમથી ફાળો આપવા તૈયારી બતાવે છે,અસલમાં તે ડોનનો માણસ છે. તે પાંચ દસ હજાર નહીં પરંતુ લગ્નમાં ખર્ચ કરવામાં આવનાર ૩૦ કરોડના ૧૦ ટકા,એટલે કે ત્રણ કરોડ રૂપિયા માંગે છે તેમ જ નહીં આપો તો ભાઈની ધમકી આપે છે અને લગ્નના પ્રસંગને માતમમાં ફેરવી નાખવાની ચીમકી આપે છે. પ્રતિષ્ઠિત ડોક્ટર વોરા તેની વાતમાં ન આવતા પોતાના કોન્ટેક્ટ કામે લગાડી પોલીસ કમિશનર તેમજ મિનિસ્ટરના સંપર્કથી તાબડતો સિક્યુરિટી પ્રાપ્ત કરે છે પરંતુ આથી છંછેડાયેલો ડોન રોશની પર ગોળી ચલાવે છે અને એકની એક લાડકી પુત્રીના લગ્નના વાતાવરણ થી કિલ્લોલ કરતા ઘર પર વીજળી પડે છે અને દુઃખનો પહાડ તૂટી પડે છે. અહીં વાર્તા ઘરથી શિફ્ટ થઈને હોસ્પિટલ તરફ આવે છે. ત્રણ મહિના સુધી કોમામાં રહેલી રોશની ભાનમાં આવે છે પણ તે સાજી સમી નહીં પરંતુ પરવશ, માનસિક તેમજ શારીરિક રીતે વેદનાગ્રસ્ત. કેટલાય પરીક્ષણો, કેટલાય ઈલાજો, તેમજ જેના નામે એક પણ અસફળ કેસનું લેબલ લાગેલું નથી તેવા જગપ્રસિદ્ધ ડોક્ટર પિતા હોવા છતાં પણ તેની પોતાની દીકરીને સાજી ન કરી શકતા, દીકરી રોશની બધા ઈલાજ છોડી ઘરે જવાની જીદ કરે છે. પિતા ડોક્ટર વોરા તેમજ તમામ સભ્યો જાણતા હોય છે કે ટ્રીટમેન્ટ છોડી ઘરે જવું એટલે મોતને નોતરી દીકરીને ખોઈ નાખવી. ખૂબ જ આજીજી, વિનવણી,સમજાવટ કે નારાજગી છતાં પણ પુત્રી રોશની માનતી નથી અને તેનો રોગ નાઈલાજ છે તે સમજીને તે વધુ હોસ્પિટલ પરીક્ષણો તેમજ દવાથી મુક્તિ મેળવવા માંગે છે અન્યથા એમ જ કહો કે જીવનથી મુક્તિ મેળવવા માંગે છે. તેના બાળપણના સાથી તેમજ થનાર પતિ ગૌતમ ને પણ તે તેની સાથેના સંબંધમાંથી મુક્તિ આપે છે તે તેની સાથે પત્ની તરીકે નહી પરંતુ જેમ દ્રૌપદીના કૃષ્ણ સાથે હતા તેવા 'સખા'ના સંબંધોથી હોસ્પિટલમાં સાથે રહે છે અને પોતાના દરેક નિર્ણયમાં સાથે રહેવાનું વચન પણ માગી લે છે. ડોક્ટર પિતા જે.કે.વોરાને પૂરેપૂરો વિશ્વાસ છે કે તે તેની તમામ કુનેહ, આવડત, તેમજ અત્યાર સુધીની તેની કુશળતા કામે લગાડી દીકરીને સાજી કરી શકશે ભલે ઑપરેશન અત્યંત જોખમી હોય. પણ દીકરી રોશની ઓપરેશન માટે તૈયાર થાય ત્યારે ને? રોશની કોઈપણ ભોગે ઓપરેશન કરવા તૈયાર નથી અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવવા એડવોકેટ સખા ગૌતમને સહારે તે કાનૂની રીતે પિતા સામે હોસ્પિટલમાંથી કેસ લડે છે.

શું રોશની કેસ જીતીને હોસ્પિટલમાંથી રજા મેળવે છે કે પછી ડોક્ટર પિતા રોશની પર સફળ ઓપરેશન કરીને દિકરીને બચાવી શકે છે કે નિષ્ફળતાને વરે છે? દરેક સવાલોનો જવાબ ચિત્રક શાહ, કિરણ માલવણકર પ્રસ્તૂત નાટક "લાડકી" જ આપી શકે.

જેના નામ પર નાટકનું નામ રખાયું છે તે લાડકી રોશનીના પાત્રમાં ગઝલ રોય તેનું પાત્ર અત્યંત ઉમદા અભિનયથી સાકાર કરેલ છે પ્રેમ,જીદ,વ્યથા, દરેક ભાવ તેણે સુંદર રીતે અભિવ્યક્ત કરેલા છે. નાટકની સમાપ્તિ પછી તેની ખુશી તેના અભિનયની તુષ્ટિકરણની સાબિતી પૂરાવતી હતી. પત્ની આશાના પાત્રમાં સંજીવની સાઠે તેમજ જાનુમાના પાત્રમાં રાજકમલ દેશપાંડે નો અભિનય પણ સુંદર રીતે સાથ પુરાવે છે. કાકુના પાત્રમાં ફિલ્મ, નાટક તેમજ ટીવી સીરીયલ ના પ્રસિદ્ધ અભિનેતા શરદ શર્મા નું પાત્ર ખૂબ જ સુંદર રીતે રજૂ કરેલ છે ભારેખમ વિષયમાં પણ નિર્દોષ રમુજી છોળો ઉડાડે છે ભલે દિલમાં અત્યંત વેદના ધરબાયેલી હોય. હાસ્ય ને કરુણાનું ક્લાસિક કોમ્બિનેશન જોવા મળે છે. એડવોકેટ ગૌતમ તેમજ રોશનીના મંગેતર તેમજ સખા તરીકે ના પાત્રમાં હિતેશ ઉપાધ્યાય નો અભિનય વખાણવા લાયક છે જો કે તેને વધુ ફૂટેજ મળ્યું નથી. બાકી તુષાર ઠાકર, સાગર રાવ, નર્સ તરીકે પ્રિયલ પારેખ નો અભિનય પ્રસંગને અનુરૂપ છે. હવે વાત કરીએ ડોક્ટર જે કે વોરા તેમજ પોતાની અત્યંત લાડકી દીકરી રોશની ના પિતા તરીકે ભૂમિકામાં પ્રતાપ સચદેવની. તેમની ભૂમિકા લાજવાબ,બેનમૂન છે. તેમાં પણ છેલ્લા દૃશ્યમાં તેની અદાકારી વિશે શું કહેવું ? ખૂબ જ સુંદર, અનન્ય!

વિલોપન દેસાઈ ની કથા અત્યંત કરુણા સભર છે પરંતુ રોશની પર થતા હાદસા પહેલા ના દ્રશ્યો હજી થોડા વધુ લંબાવી કુટુંબમાં રોશનીનો પ્રેમ હજી વધુ દર્શાવી ને હોસ્પિટલ માનું દ્રશ્ય થોડું ટૂંકાયું હોય તો બાપ દીકરી ની લાગણી વધુ પ્રકાશ પડત. દિગ્દર્શન ધર્મેશ વ્યાસ નું ડાયરેક્શન જબરજસ્ત છે અને નાટકમાં ભારોભાર ઇમોશન્સ દર્શાવ્યા છે. અંતિમ દૃશ્યમાં તેમનું દિગ્દર્શન અને પ્રતાપ સચદેવની અદાકારી વચ્ચે જુગલબંધી જોવા મળી છે.

ક્લાસિક થિયેટર પ્રોડક્શન સર્જીત,આસિફ પટેલ અલ્પેશ શાહ નિર્મિત નાટક "લાડકી" ખૂબ જ સુંદર લાગણીસભર તેમજ પિતા પુત્રીના પ્રેમને તાદશ્ય કરતું કરુણામય નાટક છે, આ નાટકના જ એક સંવાદ થી આજના આ રિવ્યુ પણ પડદો પાડીએ.

"મારી લાડકી રોશનીના લગ્નમાં એટલી ધામધૂમ, રોશની અને આતશબાજી હશે, તે દિવસે શહેરમાં સૂર્યાસ્ત નહીં થાય, હા પણ દીકરીના સાસરે જવાથી બીજા દિવસથી ઘરમાં સૂર્યોદય પણ નહીં થાય."

   LAADKI Play Schedule(s)
No upcoming shows.

Please click here for the preview of the play

read / post your comments


You can now subscribe to our MumbaiTheatreGuide WhatsApp channel


   Discussion Board
Schedule


Theatre Workshops
Register a workshop | View all workshops

Subscribe


About Us | Feedback | Contact Us | Write to us | Careers | Free Updates via SMS
List Your Play