સંસારના અસંખ્ય ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે ઈશ્વરે આપેલો અમૂલ્ય માનવ દેહનો જન્મ વેડફી નાખવો કે પછી ભૌતિક સુખોનો ત્યાગ કરી સંયમના માર્ગે પદાર્પણ કરી ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો,જે માની કુખેથી જન્મ લીધો એના પરત્વેનો પુત્રધર્મ નિભાવવો કે પછી સંયમને માર્ગે ચાલી સંતોએ ચીંધેલા રાહ પર રહી ધર્મશાસનની સેવા કરવી? આજ ગહન વિષય પર પ્રકાશ પાડતું નાટક એટલે લેખક પાર્થ શુક્લ,નયન શુક્લ નું નવું સર્જન "વિરહથી વૈરાગ્ય સુધી"
આવો નાટકની કથા જોઈએ.
સિદ્ધાર્થ તેમની માતા યશોદાનો એકનો એક પુત્ર છે ,યશોદાએ તેના પતિના સ્વર્ગવાસ બાદ એકલે હાથે સિદ્ધાર્થનો ઉછેર કરી તેને સક્ષમ બનાવ્યો,તે એક કંપનીમાં ઊંચા પગાર ની નોકરી કરે છે. પૈસે ટકે સુખી સંપન્ન ,સારા પગાર નોકરી ,પ્રેમાળ માતા,મદદગાર બોસ, હસમુખ મિત્ર આ બધું હોવા છતાં સિદ્ધાર્થનું મન સંસારમાં લાગતું નોહતું, તેનું મન જૈન શાસનની સેવા કાજે સંયમના માર્ગે ચાલી દીક્ષા લેવા પ્રેરિત કરતું હતું. સિદ્ધાર્થ ની માતાએ જ્યારે સિદ્ધાર્થને પ્રેમ કરતી ખાસ મિત્ર અદિતિ સાથે લગ્ન માટેની દરખાસ્ત કરી ત્યારે તેણે માતાને અપરણિત રહી સંયમના માર્ગે જઈ દીક્ષા લેવાનો પોતાનો નિર્ણય સંભળાવ્યો અને જાણે માતા યશોદા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો.સિદ્ધાર્થની માતા યશોદા તેમજ તેની ફેમિલી ફ્રેન્ડ કેટ માસીએ પણ ખૂબ સમજાવવા પ્રયત્ન કર્યો , યશોદાએ રડીને ,દલીલો કરીને તેને રોકવાના ઘણાં પ્રયત્નો કર્યા, તેના મિત્ર અને તેના ઉપરીની સહાય લઈને સમજાવવા પ્રયત્ન કર્યા પણ દરેક રીતે તે અસફળ રહેતા તેને પ્રશ્ન પૂછ્યો કે તેના પુત્રધર્મનું શું? પોતાના સંયમના માર્ગના નિયમ પર અડગ રહી સિદ્ધાર્થ માતાને સમજાવવા પોતાના સંઘના મિત્રોની મદદથી ઘરમાં જ એક ધાર્મિક નાટક ભજવવાનું નક્કી કરે છે. નાટક હતું દીક્ષા લેનાર પુત્રના વિરહમાં ઝૂરતી માતા મરુદેવી તેમજ તેમના પુત્ર આદેશ્વર ભગવાનની. સંઘના મિત્રો દ્વારા ભજવેલ નાટકનો શું યશોદા પર પ્રભાવ પડ્યો? શું તેણે પુત્ર મોહનો ત્યાગ કર્યો? શું સિદ્ધાર્થ સંયમના માર્ગે વળી શક્યો? વગેરે પ્રશ્નોના જવાબ તો નાટક " વિરહથી વૈરાગ્ય સુધી" જોશો તો જ મળશે.
પાર્થ શુક્લ, નયન શુક્લ લિખિત એક ગહન વિષયને સ્પર્શતી ચિલાચાલુ વિષયથી અલગ ધાર્મિક રાહ પર લખાયેલી કથા છે. જેમાં મનોરંજન ઓછું આધ્યાત્મિકતા વધુ છે અને આ વિષય પર અઢી કલાક દર્શકોને જકડી રાખવા લેખક માટે કઠિન છે પણ આ લેખક બેલડીએ કઠિન કામ સુપેરે નિભાવી જાણ્યું છે, હા પણ ક્યારેક એક જ વિષય ઉપદેશ બનીને દર્શક માટે કંટાળાજનક પણ બને છે. પાર્થ શુક્લનું દિગ્દર્શન પણ ખૂબ જ સુંદર છે, દરેક કલાકારો પાસેથી પ્રસંગને અનુરૂપ કામ લઈ જાણ્યું છે.અદાકારીમાં સંયમના માર્ગે ચાલનાર નયન શુક્લનો અભિનય પાત્રને અનુરૂપ ખૂબ જ સંયમિત છે તે એક ઠરેલ, પરિપક્વ, શાંતિથી પોતાની વાત રજૂ કરનાર, પુત્રનું પાત્ર ખૂબ જ નિષ્ઠા નિભાવી જાય છે ગોરો વાન, સફેદ કુર્તો પાયજામો, તેમજ મુખમાં રમતું સંયમ નું ગીત તેનામાં એક અનેરી આભા ઉત્પન્ન કરે છે. પુત્ર વિયોગના ખ્યાલથી ભયભીત થતી માતા યશોદાના પાત્રમાં સચી જોશીનો અભિનય પણ ખૂબ જ સુંદર છે આમ પણ સચી જોશી વર્ષોથી રંગભૂમિના નીવડેલા અદાકારા છે, જોબનપુત્રા તેમજ સુલ્તાનભાઈ ના પાત્રમાં વિનય કેતકર નો અભિનય પણ કાબીલે તારીફ છે ,મિત્ર પ્રિયતમ તેમ જાવેદના પાત્રમાં હુસેની દવાવાલા ,માતા મરુદેવીના પાત્રમાં સંગીતા જોશી,અદિતિના પાત્રમાં નિયતિ ભટ્ટ ,દરેકની અ દારકારી વખાણવા લાયક છે અને અંતે વાત કરીએ આ ગંભીર વિષયમાં હાસ્યની છોળો ઉડાળનાર કેટમાશી ઉર્ફે રચના પકાઈની. જે આ નાટકનું એક સરપ્રાઈઝ પેકેજ છે. તેની અદાકારી તેમજ ડાયલોગ ડિલિવરી પ્રેક્ષકોની તાળીઓની હકદાર બને છે ખૂબ જ સુંદર અભિનય રચના પકાઈનો. લાઈટિંગ તેમજ સંગીત રચના પણ નાટકમાં પ્રાણ પુરે છે.
મીટર ડાઉન પ્રોડક્શન, રાજેન્દ્ર બુટાલા પ્રસ્તુત શ્રી આદેશ પ્રભુના જીવન પર આધારિત સંયમના ભાવ જગાડતું નાટક "વિરહથી વૈરાગ્ય સુધી" એક વિચારવંત કરી દેતું સુંદર માણવા તેમજ સમજવા લાયક સર્જન છે.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.