Written and Directed : Latesh Shah Cast : Sujata Mehta
SUJATA RANG RANGILI Review
નાટક અમે બરફના પંખી,દિગ્દર્શક ગુજરાતી નાટકના ભીષ્મપિતામહ કાંતિ મડિયા. કેન્સરથી પીડાતી નાયિકા જ્યારે છેલ્લા ઓપરેશન માટે વિદેશ જાય છે ત્યારે સેટ પર દેખાતા વડલાને વીટીને એ રડે છે અને બેગ્રાઉન્ડમાં 'દાદાને આંગણે આંબલો' કન્યા વિદાય નું ગીત વાગે છે. જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષી એ નાટક જોયા બાદ ટેક્ષી ભગાવીને ઘરે જઈ પોતાની દીકરીને વળગીને રડી પડે છે.ખુદ ચંદ્રકાંત બક્ષીના મુખેથી કહેવાયેલો આ કિસ્સો.
વર્ષ 1983, સ્થળ પાટકરનો ખીચોખીચ ભરેલો હોલ .નાટકના એક દ્રશ્ય માં પાગલ બીમાર પેશન્ટ અને ડોક્ટર શબ્દોની રમત રમે છે અને તેમ કરીને માનસિક રોગથી પીડાતી દર્દીના મગજમાં રહેલી વાતો બહાર કઢાવે છે, પ્રેક્ષકો આફરીન પોકારીને તાળીઓના ગડગડાટથી આખું ઓડીટરિયમ ગજવી નાખે છે.અને આવું એક વાર નહિ પરંતુ ૮૦૦ થી વધુ પ્રયોગો દરમ્યાન બને છે.અને ના ભૂતો ન ભવિષ્યતિ એવું આ નાટક એટલે કે ચિત્કાર.
સાલ 1987 હિન્દી ફિલ્મ પ્રતિઘાત .પુરુષ પ્રધાન ફિલ્મોના યુગમાં હિરોઈનને ઉપર લખાયેલી સ્ટોરી. ખૂબજ ઓછા બજેટમાં બનેલી પણ કરોડોમાં કમાણી કરેલ ફિલ્મ ઉપરના ત્રણે પ્રસંગો ની સફળતામાં એક સામ્ય હતું અને તે દરેકમાં મુખ્ય ભૂમિકામાં હતા,પ્રતિભા સંપન્ન વર્સેટાઈલ અભિનેત્રી સુજાતા મહેતા. અને આ જબરજસ્ત અભિનેત્રી ઉપર ચિત્રણ કરેલું લતેશ શાહ સર્જિત નાટક એટલે સુજાતા રંગ રંગીલી.ના આ મહજ એક નાટક જ નથી આમાં છે સુજાતા મહેતાના જીવન સફરની સાંભળેલી ન સાંભળેલી વાતો, તેમના સફળ નાટકના ભજવાયેલા અંશો. તેમજ લેખક, દિગ્દર્શક લતેશ શાહ દ્વારા પીરસાયેલા ભારતીય કલાના નવરસ .જેવાકે હાસ્ય રસ, વીર રસ, શૃંગાર રસ વગેરે અને આ નવેનવ રસ સુજાતાજી એ તેમની અપ્રતિમ અભિનય ક્ષમતા દ્વારા ડાયલોગ સાથે તેમજ હાવભાવ થી રજૂ કરી બતાવ્યા છે. તેમના સંતુ રંગીલીનો રસપ્રદ સીન તેમજ ચિત્કારનાના એવોર્ડ વિનિંગ સીન રજૂ કરતા જ દર્શકો ફરી પાછા દાયકાઓ જુના યુગમાં સરી પડી છે.
લેખક, દિગ્દર્શક લતેશ શાહ સૂત્રધાર તરીકે દર્શકો સાથે પ્રથમ દ્રશ્યથી જ સંવાદ સાધીને સીધું તાદમ્ય કેળવે છે અને સમગ્ર નાટક દરમિયાન વાતાવરણ ધબકતું રાખે છે.
૯૯ થિયેટરમાં રજૂઆત અને ૧૦૪ પ્રયોગ પૂરા કરી એકજ કલાકાર દ્વારા ભજવાયેલું લતેશ નું આ નવીનતમ સર્જન છે.જેમાં પ્રખ્યાત અભિનેત્રી સુજાતા મહેતા પ્રાણ પૂર્યા છે તેમજ હંમેશની જેમ આ નાટકને પણ પૂર્ણપણે સમર્પિત રહ્યા છે.
*જયેશ શાહ ગુજરાતી સાહિત્ય તેમજ નાટકના જાણકાર, ગુજરાતી લખાણ સાથે સંકળાયેલા અને મુંબઇ થિયેટર ગાઇડ સાથે જોડાયેલા છે.